પાટણ સહિત જિલ્લાભરમાં લોકોને હવે કેદારનાથ ખાતેના શિવ મંદિર જેવું જ શિવ મંદિર હવે પાટણ નજીકના અનાવાડા ગામ ખાતે બનવા જઈ રહ્યું છે. જેના માટે આજે પવિત્ર જન્માષ્ટમીના દિવસે ભુમિ પુજન વિધી હાથ ધરવામાં આવશે. મંદિરનું નિર્માણ થયાં બાદ પાટણ સહિતના લોકોને કેદારનાથ મંદિર જેવી જ અનુભૂતિ થવા પામશે તેમ જાણવા મળ્યું હતું.
પાટણ તાલુકાના અનાવાડા ગામે આવેલ શ્રી હરિઓમ ગૌશાળામાં ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ કાર્ય કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન ઘાટમાં નિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જેથી પાટણ નજીક જ કેદારનાથ ધામ જેવું જ શિવ મંદિર બનતા પાટણ સહીત પંથકના લોકોને કેદારનાથ ધામ જેવી અનુભૂતિ થશે. ગૌશાળા લાંબા સમયથી બીમાર અશક્ત અને ઘાયલ ગૌમાતાઓ માટે આશ્રાય સ્થાન બની રહી છે તેમજ ગૌ માતાઓની સારવાર અને સેવા માટે ગૌશાળામાં જ હોસ્પિટલ પણ બનાવવામાં આવેલી છે. જેથી ગૌસેવા સાથે જોડાયેલી આ ગૌશાળા ધીમે ધીમે લોકોની આસ્થા અને શ્રાદ્ધાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગૌશાળામાં કથાકાર રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથા સાથે ગૌભક્તિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લાખ્ખો લોકોએ લાભ લીધો હતો ત્યારે હવે ગૌશાળામાં આગામી સમયમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામનાર છે. જેમાં ચારધામ પૈકીના એક પવિત્ર તીર્થધામ કેદારનાથની પ્રતિકૃતિ કરાવે તેવા ઘાટમાં મંદિરનું નિર્માણ કરવાની યોજના હોવાથી મંદિર તૈયાર થયા બાદ સમગ્ર પાટણ શહેર સહિત જિલ્લા અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકોને કેદારનાથ ધામની યાત્રા જેવી જ આધ્યાત્મિક અને સુખદ અનુભૂતિ થશે. જેના માટે આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારે જ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
