પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત પાત્ર દીકરીઓને ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે ભવિષ્યમાં રક્ષણ મેળવવામાં મદદરૂપ HPV રસી સંપુર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે HPV રસી અગાઉ વિવિધ સમાજના આગેવાનો કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પોતાની દીકરીઓને આપવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારની પહેલથી આ રસીકરણને વ્યાપક સ્તરે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષના માર્ચ મહિનાથી આ અંગે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ ફરીથી 31 ડિસેમ્બર સુધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં આયોજિત અભિયાન હેઠળ એવી દીકરીઓને HPV રસી આપવામાં આવી રહી છે કે જેમણે 14 વર્ષની ઉંમર પુર્ણ કરી હોય અને 15 વર્ષની ઉંમર પુર્ણ થવાની બાકી હોય. એટલે કે 15 મું વર્ષ ચાલુ હોય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં આશરે 3800 પાત્ર દીકરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવાનું આયોજન છે. અભિયાન દરમિયાન પણ મોટી સંખ્યામાં દીકરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો આરોગ્ય વિભાગનો પ્રયાસ છે.HPV રસી ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મહત્વપુર્ણભુમિકા ભજવી શકે છે. આ રસીનો લાભ તાત્કાલિક દેખાતો નથી પરંતુ આજે રસી મેળવનારીદીકરીઓ જ્યારે ભવિષ્યમાં પુખ્ત વયે પહોંચશે ત્યારે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવામાં આ રસી ઉપયોગી બની શકે છે. રસીકરણ દ્વારા વ્યક્તિના આરોગ્યની સાથે તેના પરિવાર અને સમાજ પર થતો આરોગ્યલક્ષી તથા આર્થિક બોજ પણ ભવિષ્યમાં ઘટાડવામાં મદદ મળી શકે છે. પાત્ર દીકરીઓને HPV રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC)ખાતે સંપુર્ણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. રસીકરણ બાદ તેની નોંધ આરોગ્ય વિભાગના TECHO પોર્ટલ પર કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ સુધી પણ રસીકરણની સુવિધા પહોંચે તે માટે જરૂરિયાત મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શાળાઓ સાથે સંકલન કરવામાં આવે છે. જરૂરી જણાય ત્યારે RBSK અથવા PHCના વાહન દ્વારા પણ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
