પાટણમાં થોડાક સમય અગાઉ સ્વિફ્ટ કારે બાઈક પર જતાં મુળ રાજસ્થાનના અને ધાનેરામાં રહેતા બે સગા ભાઈઓને અડફેટે લેતાં ચાલકને જમણો પગ કાપવો પડયો હતો અને પાછળ સવાર માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ વળતર માટે અરજી કરતાં વળતર વળતર ટ્રિબ્યુનલે બંને ભાઈઓને કુલ રૂ. 28.80 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં મુળ રાજસ્થાનના અને ધાનેરાના વિંછીવાડીમાં રહેતાં માંગલારામ તેજારામ ભીલ અને રમેશકુમાર તેજારામ ભીલ બાઈક પર ધાનેરા બજાર તરફ્ જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતી સ્વિફ્ટ કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક માંગલારામને જમણાં પગે ગંભીર ઈજાને કારણે ઢીંચણથી નિચેનો ભાગ કાપવાની ફરજ પડી હતી. જ્યારે પાછળ સવાર રમેશકુમાર ભીલને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ પાટણ વળતર ટ્રિબ્યુનલમાં અરજી કરતાં તમામ પુરાવાઓ ધ્યાને લઈ સ્વિફ્ટ કારના ચાલકની સંપુર્ણ બેદરકારી ગણાવી હતી. તેમજ અરજદાર માંગલારામને રૂ. 20.93 લાખ અને રમેશકુમારને 7.87 લાખનું વળતર અરજી દાખલ કર્યા તારીખથી 9 ટકા વ્યાજ અને કોર્ટ ખર્ચ સાથે ચુકવવા સ્વિફ્ટ કારના માલિક અને ઈન્સ્યોરન્સ કંપનીને સંયુક્ત રીતે હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.