પાટણના સમી રાધનપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની કરૂણ ઘટના ઘટી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બેંગલોરમાં રહેતો મુળ રાજસ્થાનનો સોની પરિવાર દશેરાની રજાઓ હોવાથી ભાભર ખાતે તેમના બનેવીના ત્યાં આવ્યા બાદ સ્વિફ્ટ કાર લઈને દ્વારકા દર્શનાર્થે ગયો હતો. જ્યાંથી પરત આવતી વખતે સમી નજીક ગોચનાદ નજીક પહોંચતા રાધનપુર તરફ્થી ગેસના બાટલા ભરીને આવતી કાળમુખી ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક પુત્ર અને તેની માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની સહિત ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાધનપુર લઈ જવાયા બાદ ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં મૃતકના બનેવીએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુળ રાજસ્થાનના અને હાલમાં બેંગલોરમાં રહેતા રણજીતકુમાર સોની તેમજ તેમની માતા સહિતનો પરિવાર દશેરાની રજા હોવાથી ભાભર ખાતે આવ્યો હતો. ત્યાંથી દ્વારકા દર્શનાર્થે જવાનું નક્કી કરી સ્વિફ્ટ કારમાં રણજીતકુમાર સોની સહિત તેમના પત્ની આરોહીબેન તથા માતા જમનાબેન અને બાળકો અમિત, શ્રવણ અને યશ સાથે દ્વારકા પહોંચી દર્શન કરી પરત ભાભર આવવા માટે નિકળ્યા હતા. જેઓ સ્વિફ્ટ કાર લઈને સમીથી રાધનપુર હાઈવે પર આવેલ ગોચનાદ નજીક પહોંચતા સામેથી ગેસના બાટલા ભરીને આવતી કાળમુખી ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક રણજીતકુમાર સોની અને તેમના માતા જમનાબેન સોનીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આરોહીબેન સહિત ત્રણેય બાળકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 માં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે રિફર કરતાં વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મૃતક કાર ચાલકના બનેવી શામળભાઈ હરિભાઈ સોનીએ સમી પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત બાદ ટ્રક મુકીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો