ગુજરાતભરના અનેક શહેરોમાં સરકાર દ્વારા નવીન વિકાસના કામો મંજુર કરેલાં છે. અને તે કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. તેમાંય ખાસ કરીને સ્ટેટ હાઈવે હોય કે શહેરોના રસ્તાઓ કે પીવાના પાણીના પ્રશ્નો હોય છે. પરંતુ ગ્રામ વિસ્તારોમાં અત્યારે ક્યાંક ઉબડખાબડ રોડ તો ક્યાંક કાચા રસ્તાઓને પાકા નવીન રોડની જરૂરિયાત હોઈ લોકો તે અંગેની અવારનવાર રજુઆત સાથે માગણીઓ કરતા હોય છે. આવા જ નવીન રોડની માગણી શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા કરવામાં આવી હતી.
તેમાં તાલુકાના મંકોડીયા દાંતીસણા અને પાડલા જેવા ગામોના ગ્રામજનો દ્વારા પાડલા મંકોડીયા અથવા દાંતીસણાથી સુસિયા પાક્કો ડામર રોડ બનાવવા અંગેની લોકો દ્વારા અનેક વાર માગણી કરવામાં આવેલી હતી અને તે અહેવાલ સંદેશ ન્યૂઝમાં પણ પ્રકાશિત થયા હતા. તો બીજી તરફ્ મંકોડીયા, પાડલા અને દાંતીસણાના ગ્રામજનો દ્વારા બે જિલ્લાને જોડતો રોડ બનાવવા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને રજૂઆત કરવામાં આવી હતી અને રમેશભાઈને લોકોએ જણાવ્યું હતું કે આ રોડ બનાવવામાં આવે તો તેનો સીધો લાભ શંખેશ્વરથી સુંસિયા, વણોદ, એરવાડા, એસવાડા સહિતના ગામોના લોકોને તેનો લાભ મળે અને લોકોને પંચાસર વણોદ કે દસાડાનો ફેરો ટળે સાથે સમય પણ બચે તેથી પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સુંસીયા રોડ મંજૂર કરવા રજૂઆત કરેલી અને લોકોની માગણીને ધ્યાનમાં રાખી ટુંકસમયમાં દાંતીસણાથી સુંસિયાનો નવીન રોડ મંજુર કર્યો હતો. આથી નવીન રોડ મંજુર થવાથી લોકોએ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.










