પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રાધનપુર ખાતેથી સળંગ 4 દુકાનોમાં 3 બેડની હાડવૈધ તરીકેનું બોર્ડ મારી ચલાવવામાં આવતાં એક દવાખાના પર દરોડો પાડયો હતો અને ત્યાંથી પોતાની જાતને ડિગ્રીધારી ડોક્ટર સમજીને લોકોના આરોગ્ય સાથે એલોપેથીક દવાઓ આપીને ચેડા કરતાં ઊઘાડપગા ડોક્ટરને ઝડપી લીધો હતો. પોલીસે દવાખાના પરથી એક્સ રે મશીન સહિત એલોપેથીક દવાઓ અને પાટાપીંડીનો સામાન સહિત કુલ 5.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોગ્ય તંત્રની જવાબદારી પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નિભાવી છે. પોલીસે પાડેલા દરોડા દરમિયાન રાધનપુર મેડિકલ ઓફ્સિર અને ફર્માસીસ્ટને પણ સાથે રાખ્યા હતા અને દવાઓની ચકાસણી કરાઈ હતી.
પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ તબીબોને શોધવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે. રાધનપુરમાં પટ્ટણી દરવાજા નજીક આવેલ એક કોમ્પલેક્ષમાં મુળ બનાસકાંઠાનો એક ઊઘાડપગો તબીબ લોકોને બિનકાયદેસર એલોપેથીક દવાઓ આપીને પાટાપિંડી સહિતની સારવાર કરી રહ્યો છે. જેના આધારે પાટણ પોલીસે પંચો તથા મેડીકલ ઓફ્સિર અને ફર્માસીસ્ટને સાથે રાખીને દવાખાના પર દરોડો પાડયો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન દવાખાનામાં ચાર રૂમ અને ત્રણ બેડ જોતાં જ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. અને પોલીસે સારવાર કરી રહેલા તબીબને પુછપરછ કરતાં તેણે પોતાની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ સર્ટિ કે ડિગ્રી ન હોવાની કબૂલાત કરતા પોલીસે દવાખાના પરથી પાટાપિંડીનો સામાન સહિત એલોપેથીક દવાઓ અને એક્સ રે મશીન મળી કુલ 5 લાખ 51 હજાર 136 નો મુદ્દામાલ કબજે કરી પોતાની જાતને ડિગ્રીધારી ડોક્ટર સમજી બેઠેલ ઊઘાડપગો ડોક્ટર ઈલિયાસ મહંમદ હનીફ્ ઢુક્કા નામના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની વિરુદ્ધ મ્.ગ્દ.જી ની કલમો 110,319(2),125 તથા મેડીકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










