સિદ્ધપુર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત LS હાઇસ્કુલમાં શાળાના ચાલુ સમયે સિદ્ધપુરના શંકરપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાના અન્ય વ્યક્તિઓ સાથે આચાર્યની ઓફ્સિમાં ઘૂસીને આચાર્ય, શિક્ષિકા અને ક્લાર્કને માર મારતા તેમજ શિક્ષકાના માથાના વાળ ખેંચી છેડતી કરી જાહેર સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધાયો છે.
સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરની LS હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સવજીભાઈ ચૌધરી શાળાના ચાલુ સમયે પોતાની ઓફ્સિમાં ફરજ ઉપરનું કામ કરી રહ્યા હતા તે સમયે સિદ્ધપુર શહેરના શંકરપુરા વિસ્તારમાં રહેતો વિનુ પોપટભાઈ પટણી નામનો વ્યક્તિ પોતાની સાથે કેટલાક માણસોને લઈને તેમની ઓફ્સિમાં ઘૂસી આવ્યો હતો અને કામ કરી રહેલા આચાર્ય મુકેશભાઈ ચૌધરી, એક શિક્ષિકા અને ઇશાકભાઈ સુલેમાની નામના ક્લાર્કને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને માર માર્યો હતો. તેમજ શિક્ષિકાના માથાના વાળ ખેંચીને છેડતી કરી હતી તે સમયે શાળામાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા તેમજ શાળાના આચાર્યએ પોલીસને જાણ કરતા પોલીસ પણ શાળામાં આવી પહોંચી હતી જે બાદ આચાર્ય મુકેશભાઈ ચૌધરીની ફરિયાદને આધારે સિદ્ધપુર પોલીસે વિનુ પોપટભાઈ પટણી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.










