પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મણુંદ ગામના 72 વર્ષીય નિવૃત્ત બેંક કર્મી સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. મણુંદ ગામના 72 વર્ષીય નિવૃત્ત બેંક કર્મી દિનેશકુમાર ત્રિકમલાલ અમીન (પટેલ) એ રણુંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ હાલમાં પંજાબ નેશનલ બેંકમાંથી અને પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે અને તેમના બંનેનું સંયુક્ત ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે. નિવૃત્ત બેંક કર્મી બેંકમાંથી નિવૃત્ત થયા હોવાથી બેંકમાં પેન્શન માટે હયાતીનો દાખલો આપવાનો હોવાથી તેઓ ફેસબુક પર એપ્લિકેશન જોતાં હતાં. તે દરમિયાન પંજાબ નેશનલ બેંકની એપ્લિકેશન ફેસબુક પર બતાવતાં તે ખોલતાં ફોર્મમાં પી.એફ્ નંબર લખીને સબમિટ કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે બેંક અધિકારીની ઓળખાણ આપી તમારો અવાજ બરોબરનથી આવતો હું તમને વિડિયો કોલ કરૂં છું તેમ કહી વિડિયો કોલ કર્યો હતો. તે દરમિયાન અન્ય નંબર માંગતા તેમણે પત્નીનો નંબર આપતાં તેના પર સાદો કોલ કરી વિડિયો કોલમાં ATM કાર્ડ બતાવવાનું કહેતાં ATM કાર્ડ બતાવતાં બંને ફોન કટ કરી દીધા હતા અને તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ ફોનમાં ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં તેમના અને તેમની પત્નીના ત્રણ બેંક ખાતામાંથી ફ્ક્ત સાત મિનિટમાં જ અલગ અલગ એન્ટ્રીથી રૂ. 4.98 લાખ ઉપડી જતાં અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો