પાટણ જિલ્લાના બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવ અંદાજે 90 વીઘા એટલે કે 23.84 લાખ ચોરસ ફુટના વિશાળ મેદાનમાં યોજાશે. સમારોહમાં 3 વિદેશી યુગલો, 2 ડોક્ટર દીકરીઓ અને 3 સરકારી કર્મચારી દીકરાઓ પણ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. તદ્પરાંત પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 8 દીકરીઓ અને 7 દીકરાઓ પણ સમાજના સહયોગથી પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહલગ્ન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે એક દીકરીના લગ્ન પાછળ થતા સરેરાશ પાંચ લાખ રૂપિયાના ખર્ચ મુજબ 74 દીકરીઓના લગ્ન એકસાથે યોજાવાથી પરિવારોને અંદાજે 3.70 કરોડ રૂપિયાની આર્થિક બચત થશે. નવદંપતીઓની સુરક્ષા અને આર્થિક સહાય માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ 74 યુગલો માટે વ્યક્તિદીઠ 15 લાખ રૂપિયાની ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી લેવામાં આવી છે. તેમજ સમગ્ર આયોજન માટે 10 કરોડ રૂપિયાનો અલગ વીમો પણ ઉતારવામાં આવ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કન્યાદાન સ્વરૂપે રોકડ રકમ સહિત અંદાજે 3.50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 100 થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. સમગ્ર પરિસરને પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી કરાવતી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ ખોડિયાર માતાની પ્રતિમાના દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે અને પ્રવેશદ્વારની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો મૂકીને હરિયાળું વાતાવરણ ઊભું કરાયું છે. પ્રવેશદ્વારની ડાબી બાજુએ મહેમાનો અને મુલાકાતીઓ માટે ચા, કોફી અને નાસ્તા તથા પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. લગ્ન વિધિ માટેની 74 નવદંપતીઓ માટે અલગ અલગ 74 ચોરીઓ તૈયાર કરવામાં આવી છે. જેને વિશેષ પ્રકારના ફુલોથી શણગારીને તેમાં નવી ખુરશીઓ મુકવામાં આવી છે. વર કન્યા અને પરિવારજનો પોતાની ચોરી સરળતાથી શોધી શકે તે માટે દરેક ચોરી પાસે નવદંપતીના નામ અને ગામના નામ સાથેના બેનરો લગાવવામાં આવશે. તદ્પરાંત બે ચોરીઓની હરોળ વચ્ચે સગાવહાલાઓ બેસી શકે તે માટે પુરતી જગ્યા રાખવામાં આવી છે. તેમજ આમંત્રિત મહેમાનો માટે વિશાળ સ્ટેજ, સોફ અને ખુરશીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમના સુચારૂ સંચાલન, સુરક્ષા અને ભોજન વ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 53 ગામોમાંથી આવતા મહેમાનો માટે 53 એસટી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તેમજ સ્થળ પર 400 સ્વયંસેવકો ખડેપગે રહેશે અને સુરક્ષા તેમજ દેખરેખ માટે 200 સીસીટીવી કેમેરા તથા 10 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. વાહનોના સંચાલન માટે 7 અલગ અલગ વિભાગમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. અંદાજે 40 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે જેમાં ભીડ ન થાય તે માટે દાતાઓ, મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ ભોજન કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. ભોજનમાં પરંપરાગત ગ્રામીણ સ્વાદ જળવાઈ રહે તે માટે તમામ રસોઈ માટીના ચુલા પર તૈયાર કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે અને સમગ્ર મેદાનમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
