ચાણસ્મા : ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે પ્રાથમિક શાળાની સામે આવેલ જાહેર બસ સ્ટેશન ઉપર વાહનનોની ભારે અવરજવરના કારણે અવાર નવાર બનતી અકસ્માતની ઘટનાઓને ટાળવા સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા સ્પિડ બ્રેકર બનાવવા માર્ગ અને મકાન વિભાગની પાટણ કચેરીમાં લેખિત રજુઆત કરવામાં આવી છે. મોઢેરાથી મીઠીઘારીયાલ થઈને આશરે 25 કરતા પણ વધારે ગામોનો એસ.ટી વ્યવહાર જોડાયેલો છે. તદ્પરાંત ખાનગી વાહનો તેમજ લોડિંગ ટ્રકો સહીતના ભારે વાહનો અહીંથી પસાર થાય છે. જેથી ગામના બસ સ્ટેશનની નજીકમાં ગામમાં જવાનો મુખ્ય પ્રવેશદ્વાર, દૂધ મંડળી,પીકઅપ સ્ટેન્ડ, આરોગ્ય સબ સેન્ટર, ઠાકોર વાસમાં જવાનો મુખ્ય માર્ગ, પ્રાથમિક શાળા તેમજ મહાકાળી માતાજીનું મંદિર, નર્મદેશ્વર મહાદેવનુ મંદિર જેવા ધાર્મિક સ્થળો આવેલા હોઈ અહીં લોકોની ભારે અવરજવર રહે છે. અહીંથી પસાર થતાં વાહન પૂરજોશમાં પસાર થતા હોવાથી વારંવાર નાનીમોટા અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. અહીંની પ્રાથમિક શાળામાં આશરે 200 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. ઘણી વખત શાળાના ભુલકાઓ પણ અકસ્માતનો ભોગ બનેલ છે. શાળાના આચાર્ય મારફ્તે અગાઉ બસ સ્ટેશનથી પસાર થતા રોડ પર બે સ્પિડ બ્રેકર મુકવા માંગણી કરી હોવા છતાંય કોઈ નિરાકરણ ન આવતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાટણ માર્ગ અને મકાન વિભાગ કચેરીને લેખિત રજુઆત કરી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા માંગણી કરી છે.

Vadodara મનપાને સરકારની બમ્પર રાહત, 19 વર્ષ જૂના પાનમ પાણી વિવાદનો અંત, 4193 કરોડ માફ









