સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક થતા સ્થાનિક સ્તરે જોરદાર વિરોધનો સૂર ઉઠયો છે. સંગઠન દ્વારા સ્થાનિક આગેવાનોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કરતાં નારાજ નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક હોવા છતાં સંગઠન દ્વારા કાર્યકરોની લાગણી અને સૂચનોને મહત્વ ન અપાતા રાધનપુર વિધાનસભા વિસ્તારના સક્રિય કાર્યકરો અને મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાઓએ જિલ્લા અને તાલુકા સ્તરે રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે.

રાજીનામું આપનારાઓમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખનો સમાવેશ થાય છે. ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને યુવક કોંગ્રેસના આગેવાનો પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી સંગઠન સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજીનામું પત્રમાં સંગઠન પર હાઈકમાન્ડ અને મધ્યમંડળની અવગણના તેમજ સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કર્યા વિના લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નારાજ કાર્યકરોનું કહેવું છે કે લાંબા સમયથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યા છતાં તેમને યોગ્ય માન-સન્માન મળતું નથી. આ અચાનક રાજીનામાની ઘટનાએ રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની આંતરિક ગોઠવણ પર સવાલ ઊભા કર્યા છે. હવે આવનારા સમયમાં આ નેતાઓ કોઈ નવી રાજકીય દિશા પસંદ કરે છે કે સંગઠન તેમને મનાવવા પ્રયત્ન કરે છે તે જોવાનું રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: