હારીજ પંથકમાં શ્વાન કરડવાના કિસ્સામાં એક બાળક સહિત બોરતવાડા ગામના એક દંપતિનો સમાવેશ થાય છે. જેમાં એક 13 વર્ષિય બાળક પર શ્વાને હુમલો કરી તેના શરીરના અલગ અલગ ત્રણ જગ્યાએ બચકાં ભર્યાં હતાં. તો બોરતવાડા ગામે પણ દંપતિને શ્વાને બચકા ભરી ઘાયલ કરતાં ત્રણેય ઈજાગ્રસ્તોને હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી.
હારીજ તાલુકાના જુનામાંકા ગામનો 13 વર્ષિય લાખાભાઈ ખેંગારભાઈ વાલ્મિકીને શ્વાને શરીરના અલગ અલગ ત્રણ ભાગ બચકાં ભર્યાં હતાં. જેને લોહીલુહાણ હાલતમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયો હતો. તો બીજી તરફ્ બોરતવાડા ગામે પણ શ્વાને એક દંપતિને ઘાયલ કર્યુ હતું. જેમાં 23 વર્ષિય હાર્દિકભાઈ જશવંતભાઈ રાવળ અને 23 વર્ષિય નિતાબેન હાર્દિકભાઈ રાવળને શ્વાને બચકા ભરતાં તેઓ પણ ઈજાગ્રસ્ત હાલતમાં હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતાં તબીબે સારવાર આપી હડકવા વિરોધી રસીના ડોઝ પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ હારીજ પંથકમાં શ્વાન દ્વારા બાળક સહિત દંપતીને બચકાં ભરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.










