પાટણ : પાટણની સો વર્ષ પુર્ણ કરેલ ડો. પંડયા અભ્યાસગૃહ પ્રાથમિક શાળાને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી? એસોસિએશનના માધ્યમથી શાળાના સ્માર્ટ ક્લાસ બનાવવા મહેશભાઈ રમણીકલાલ શાહે તેમના ધર્મપત્ની પરેશાબેન શાહના નામે દોઢ લાખનું દાન આપ્યું છે. શાળામાં ચાલતા ધો. 5 ના વર્ગને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. શાળાના ડો.પંડયા અભ્યાસગૃહ એલ્યુમિની એસોસિએશનના માધ્યમથી મહેશભાઈ શાહે છેલ્લા બે વર્ષમાં શાળાના બાળકોને બુટ-મોજા અને સ્વેટર વિતરણ કરતા પોણા બે લાખથી અધિક રકમનું દાન આપ્યું હતું. તાજેતરમાં મળેલ કારોબારીની મિટીંગમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મયંક જાનીએ દરેક બાળકોને દિવાળીમાં મીઠાઈનું બોક્ષ આપવા અમેરીકાથી આવેલ મોતીભાઈ પટેલે તેમના તરફ્થી એક વર્ષ સુધી મહિનામાં એકવાર નાસ્તો આપવાની જાહેરાત કરી રૂા.36 હજારનો ચેક આપ્યો હતો. મિટીંગમાં આગામી સમયે શાળાના બાલમંદિર માટે ભવન, શાળાનો આકર્ષક ગેટ બનાવવાની વિચારણા કરી આ માટેનું પ્લાનીંગ-ડીઝાઇન બનાવવાનું નક્કી કરાયું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન તરફ્થી દાનનો પ્રવાહ સતત વહી રહ્યો છે તેવું પ્રમુખ અશોકભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હર્ષદ ખમાર, મંત્રી અતુલ અગ્રવાલે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો