રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ નજીક શનિવારે બાઇક સવારને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ચાર શિક્ષકોને સહિત બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ગત રોજ તા. 15મી ઓગસ્ટના સ્વાતંર્ત્ય પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કાર મારફ્તે ભાભર થી રાધનપુર તરફ્ આવી રહ્યા હતા. તેવા સમયે કોલ્હાપુર ગામ નજીક અચાનક એક બાઇક સવાર કારની વચ્ચે આવી જતા કારચાલકે તેને બચાવવા માટે પુરઝડપે દોડી રહેલી કારને અચાનક બ્રેક મારી હતી. જેના કારણે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.અકસ્મતમાં કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો.ગાડીમાં સવાર ધરમસીભાઇ ગલાભાઈ પરમાર, ઝખનાબેન સવજીભાઈ પરમાર, શર્મિષ્ઠાબેન દિનેશભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન રમેશભાઈ પ્રજાપતિ(ત્રણ મહિલા શિક્ષક) તેમજ બાઇક સવાર સાજનભાઈ ધનજીભાઈ ઠાકોરને અકસ્માતે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફ્સાયેલા ઈજાગ્રસ્ત શિક્ષકોને બહાર કાઢયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફ્તે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુરની સરકારીહોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઝખનાબેન મહિલા શિક્ષકને ગંભીર ઈજાઓ થતાં તેવોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
