પાટણ પોલીસે ફરજની સાથે સાથે માનવતા પણ મહેકાવી છે. જેમાં એક અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધને પસાર થતાં પોલીસ જવાનોએ એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ પોલીસ વાનમા હોસ્પિટલ સુધી ખસેડયા હતા. જેને લઈ ચોમેરથી પોલીસની પ્રશંસા કરવામાં આવી રહી છે.
પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ નરેશભાઈ પરમાર, નિતિનભાઈ દેસાઈ, જગદીશભાઈ પરમાર સહિતના પાટણ હારીજ હાઈવે પર આવેલા કુણઘેર ગામ નજીકથી પોલીસ વાન લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કુણઘેર ગામ નજીક એક વૃદ્ધને કારે અડફેટે લેતા તેઓ નિચે પટકાયાં હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ પસાર થતી પોલીસ વાન થોભી હતી. અને તુરંત જ એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ ઈજાગ્રસ્ત વૃદ્ધને પોલીસ વાન મારફ્તે સારવાર માટે ખસેડી પોલીસે ફરજની સાથે સાથે માનવતા પણ મહેકાવી હતી.










