આજના સમયમાં જ્યાં રાસાયણિક ખેતીથી ખર્ચ વધે છે અને જમીનની ઉર્વરતા ઘટી રહી છે, ત્યાં સાંતલપુર તાલુકાના બરારા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રભુલાલ દરજીએ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે. તેમણે પોતાની ત્રણ એકર જમીનમાં જામફ્ળ, મોસંબી, લીંબુ અને બોર જેવી બાગાયતી ખેતી સફ્ળતાપૂર્વક વિકસાવી છે.
પ્રભુલાલ દરજીએ ખેતીમાં રાસાયણિક ખાતર અને ઝેરી કીટનાશકોનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાયના છાણ-મૂત્રથી તૈયાર કરેલા જીવામૃત, ઘનજીવામૃત, વેસ્ટ ડિકમ્પોઝર તથા વનસ્પતિ આધારિત કીટનાશકોનો ઉપયોગ કર્યો છે. ઓર્ગેનિક પદ્ધતિના કારણે ફ્ળોની ગુણવત્તા, સ્વાદ અને કદમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેના કારણે બજારમાં સારો ભાવ મળી રહ્યો છે. તેમની ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેથી પાણીની બચત સાથે છોડને જરૂરી માત્રામાં જ ભેજ મળી રહે છે. ખાસ કરીને જામફ્ળ અને મોસંબીના પાકમાં સારી ઉપજ મળી રહી છે, જ્યારે લીંબુ અને બોરનો પાક પણ આવકદાયક સાબિત થયો છે. પ્રભુલાલ દરજી જણાવે છે કે, ઓર્ગેનિક ખેતીથી શરૂઆતમાં ધીરજ રાખવી પડે છે, પરંતુ લાંબા ગાળે ખર્ચ ઘટે છે, જમીન સ્વસ્થ રહે છે અને ઉત્પાદન સાથે નફે પણ વધે છે. તેમની ખેતી જોઈને આસપાસના ગામોના ખેડૂતો પ્રભુલાલ દરજીના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી તરફ્ વળવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, માનવ આરોગ્ય અને ખેડૂતની આવક વધારવાના દૃષ્ટિકોણે બરારા ગામના પ્રભુલાલ દરજીની ઓર્ગેનિક બાગાયતી ખેતી સાંતલપુર તાલુકા માટે ગૌરવરૂપ અને અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની રહી છે.










