પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ બે જગ્યાએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ 3 શખ્સોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી કુલ 17 હજારની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કરી વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પાટણ એ ડિવિઝન પીએસઆઈ કે.જે.કોડીયાતર સહિતના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતાં તે સમયે બાતમી મળી હતી કે પાટણ શહેરમાં આવેલ ખોખરવાડો,ઓડવાંસમાં રહેતાં રોહિતભાઈ નગીનભાઈ ઓડ દ્વારા તેના રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરી રાખેલ છે જેના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રેડ કરતા મકાનમાંથી રૂ.5750 ની કિંમતની 23 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા પોલીસે રોહિત ઓડની ધરપકડ કરી હતી તો બીજી તરફ્ શહેરના મીરા દરવાજા તરફ્થી આવતી એક રિક્ષામાં પણ ચાઈનીઝ દોરી ભરેલ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે શહેરના બુકડી કસાવાડા નજીક વોચ ગોઠવતા બાતમી વાળી રિક્ષા પસાર થતાં તેને રોકાવી અંદર તપાસ કરતા પાછળની સીટમાં સફેદ કંતનથી સંતાડેલ એક કાર્ટુન મળી આવ્યું હતું જેની તપાસ કરતાં અંદરથી રૂ. 11,250 ની કિંમતની ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા પોલીસે પિતા પુત્ર અમિત મહેશભાઈ પટણી તથા મહેશભાઈ નગીનભાઈ પટણીની અટકાયત કરી દોરી સહિત રૂ.50 હજારની કિંમતની રિક્ષા કબજે કરી તમામની સામે કાર્યવાહી કરી હતી.આમ પોલીસે બંને જગ્યાએથી કુલ રૂપિયા 17 હજારની ચાઈનીઝ દોરીની ફીરકીઓ સહિત રિક્ષા કબજે કરી કુલ 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.










