પાટણમાં સોમવારે ભાજપ અને કોંગ્રેસના અલગ અલગ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન થયેલ શાહી કાંડ બીજા દિવસે પણ ચર્ચામાં રહ્યો હતો. સોમવારે બપોરના સમયે ભાજપ દ્વારા કોંગ્રેસના સાંસદ દ્વારા દિકરીઓનું શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન અને ધરણાંનું આયોજન કર્યું હતું. તો સામે કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામાની માંગ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભાજપની મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયના નિચે જતાં તેમના પર શાહી ફેંકવામાં આવતાં બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી અને આખો મામલો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચતાં બંને પક્ષોના નેતાઓએ બી ડિવિઝન પોલીસ મથકે ધામા નાંખ્યા હતા. જ્યાં કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્ધારા ભાજપની મહિલાઓ ઉપર શાહી ફેંકવાથી આંખે પીડા અને બીપીની તકલીફ્ હોવાની ફરીયાદ સાથે પોલીસ વાનમાં હોસ્પિટલમાં લઈ જવાયા બાદ કોંગ્રેસની બે મહિલાઓને પણ સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે ભાજપના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે કોંગ્રેસની મહિલા મોરચાની બે કાર્યકરો દ્ધારા શાહી ફેંકવાથી એક આંખે અંધાપો અને અન્ય મહિલા કાર્યકરોને બીપીની તકલીફ્ થઈ હતી. કોંગ્રેસના બે મહિલા પદાધિકારીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે સારવાર હેઠળ રહેલ કોંગ્રેસની બંને મહિલા કાર્યકરોની અટકાયત કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે રિમાન્ડ અને આરોપી પક્ષ તરફથી રજૂ થયેલ જામીન અરજી નામંજૂર કરી જેલમાં મોકલવા હુકમ કર્યો હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો મુદ્દો સતત બીજા દિવસે પણ ચર્ચામાં રહ્યો હતો. સોમવારે મોડી સાંજે ભાજપ અને કોંગ્રેસના મહિલા કાર્યકરોને અલગ અલગ પોલીસ વાનમાં સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા બાદ મોડી રાત્રે ભાજપના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ચેતનાબા રાકેશસિંહ રાજપુતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેમણે કોંગ્રેસના જયાબેન ઠાકોર અને ભુમિબેન પ્રતિકભાઈ પટેલ સામે આક્ષેપ કર્યો છે કે તેઓ સહિત અન્ય મહિલા કાર્યકરો દ્વારા દિલ્હી જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીના અને કોંગ્રેસના પુર્વ સાંસદ અંગમોચા બીમોલ દ્વારા દિકરીઓ સાથે અધર્મ કૃત્ય કર્યું હોવાથી શાંતિપૂર્ણ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેઓ સહિત અન્ય મહિલા કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય થઈને પસાર થતાં હતાં તે દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ત્યાં હાજર હતા અને જયાબેન ઠાકોર અને ભુમિબેન પટેલ તેમની નજીક આવીને શાહી કાઢી તેમના પર છાંટી હતી. જેને લઈ પોલીસ દોડી આવી હતી અને શાહી ફેંકવામાં આવતાં ગળામાં અને આંખ પર જતાં જમણી આંખે અંધાપો આવ્યો છે. તદ્પરાંત અન્ય મહિલાઓના મોઢા અને ગળામાં શાહી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવી કોંગ્રેસના બંને મહિલા કાર્યકરો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોંગ્રેસના જયાબેન ઠાકોર અને ભુમિબેન પ્રતિકભાઈ પટેલની અટકાયત કરી મંગળવારે બપોરે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે રિમાન્ડ અને આરોપી પક્ષ તરફથી કરવામાં આવેલી જામીન અરજી નામંજૂર કરી જેલમાં મોકલવા હુકમ કર્યો હોવાનું બી ડિવિઝન પીઆઈ નિરવ શાહે જણાવ્યું હતું.
