સિદ્ધપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી સિદ્ધપુરમાં બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલી એક વિદ્યાર્થીની સાથે એક રોમીયાએ તેના મોબાઈલ ફોનમાં રહેલા ફોટા બતાવી અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈ વિદ્યાર્થીનીને લાગી આવતાં ઘરમાં રહેલ ઘઉંમાં નાખવાની દવા ગટગટાવી જતાં સારવાર માટે સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ અંગે સગીર વિદ્યાર્થીનીએ રોમીયો સહિત તેની સાથે આવેલ અન્ય એક આરોપી વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુર પંથકમાંથી એક સગીર વયની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા માટે સિદ્ધપુર ખાતે આવી હતી. તે સમયે તેના પિતા નજીક ગલ્લા પર ગયાં હતાં. ત્યારે સગીરા ઊભેલી હતી. તે દરમિયાન મેત્રાણા ગામના ઠાકોર વિપુલજી લીલાજી અને ઠાકોર સાહરજી અભુજી ત્યાં આવી વિપુલજીએ તેના મોબાઇલમાં સગીરાને તેના સાદા ફોટા બતાવી સબંધ રાખવાનું કહેતાં સગીરાએ ફોટા ડિલેટ કરવા મોબાઈલ લેવા ઝપાઝપી કરતાં સમયે તેના પિતા આવી ગયાં હતાં. ત્યારબાદ પરીક્ષા આપી સઘળી વાત કરતાં સગીરાની માતાએ વિપુલજીને ઠપકો આપવા ફોન કરતાં અપમાનિત કરી ભુંડી ગાળો બોલતા સગીરાને લાગી આવતાં તેણે ઘરમાં રહેલ ઘઉંમાં નાખવાની દવા ગટગટાવી જતાં સારવાર માટે સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણે મેત્રાણા ગામના ઠાકોર વિપુલજી લીલાજી અને ઠાકોર સાહરજી અભુજી સામ ફરીયાદ નોંધાવતા કાકોશી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.










