પાટણ સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગણેશોત્સવની તૈયારીઓ જોવા મળી રહી હતી. પાટણ સહિત જિલ્લાભરમાં લોકો દ્વારા દુંદાળા દેવ ગણપતિની મૂર્તિઓને વાજતે ગાજતે મંડપ, પંડાલ અને સોસાયટીઓમાં લઈ જઈને વિધીવત રીતે સ્થાપના કરી હતી. પાટણમાં સતત 149 માં વર્ષે પાલીકા બજારમાં ગણેશવાડી ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેને લઈ વાજતે ગાજતે મુર્તિને સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી. બીજી તરફ્ ચાણસ્મામાં ગણપતિ મંદિર સહિત અનેક સોસાયટીઓમાં અને ઘરોમાં દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને દરરોજ સવાર અને સાંજે દાદાની સેવા પુજા સાથે ગરબાની રમઝટ જામશે.
પાટણમાં ભદ્ર વિસ્તારમાં આવેલી શ્રી ગજાનન મંડળી દ્વારા ચાલું વર્ષે 149 મો સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાશે. ઈ.સ 1878 માં આ મંડળીની સ્થાપના થઈ ત્યારે ભદ્ર વિસ્તારમાં અંદાજે 500 મહારાષ્ટ્રીયન પરિવારો વસવાટ કરતા હતા. સમય જતા આ પરિવારોની સંખ્યા ઘટીને આજે માત્ર 20 જેટલી થઈ છે તેમ છતાં સ્થાનિક ગુજરાતી લોકોના સહયોગથી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે. લોક માન્ય તિલક દ્વારા 1982 માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તેના ચાર વર્ષ અગાઉથી પાટણમાં આ ઉત્સવ ઉજવાતો હોવાનું આ મંડળી દર્શાવે છે. શરૂઆતથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવીને અહીં માત્ર ગ્રીનમય માટેની જ મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ છેલ્લા 149 વર્ષથી એક સરખા માપની જ એટલે કે 24 ઇંચ લંબાઈ અને 18 ઇંચ પહોળાઈ તેમજ 21 ઇંચ ઊંચાઈની રાખવામાં આવે છે. તેમજ વધુ વિશેષતા એ છે કે દર વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન જૂની મૂર્તિની માટીનો થોડો અંશ સાચવી રાખીને આગામી વર્ષની નવી મૂર્તિ બનાવવાની માટીમાં ભેળવવામાં આવે છે જેને લઈ એક જ માટીના પ્રવાહમાંથી આકાર પામતી મૂર્તિ કહેવાય છે. બીજી તરફ્ પાટણ શહેરમાં પણ અલગ અલગ સોસાયટીઓમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બજારમાંથી લાવીને તેને શાસ્ત્ર્રોક્ત વિધિ મુજબ સ્થાપના કરવામાં આવી હતી. તો ચાણસ્મા શહેરમાં પણ આવેલ ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક માહોલ વચ્ચે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને દરરોજ સવાર સાંજ ભક્તિપૂર્વક દાદાના નગરજનો દ્વારા ગુણગાન ગવાશે તેમ જાણવા મળ્યું હતું.
