પાટણ જિલ્લા સહિત ચાણસ્મા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરીની રાવ ઉઠવા પામી હતી. જેને લઈ સ્થાનિક અને જિલ્લા પોલીસ પણ સતર્ક બની કેબલ ચોરો સુધી પહોંચવા માટે કમર કસી હતી. તેવામાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચાણસ્મા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અલગ અલગ ત્રણ રિક્ષાઓમાં ચોરીનો મુદ્દામાલ વેંચવા માટે જતાં કુલ 10 તસ્કરોને દબોચી લીધા હતા અને તેમની પાસેથી રૂ.5.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ ટોળકી દ્વારા પાટણ તથા મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં 27 જેટલા કેબલ અને ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરતાં પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ ચાણસ્મા પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સ્ટાફના જવાન કેતન પટેલને મળેલી બાતમીના આધારે અલગ અલગ ત્રણ રિક્ષામાં કેબલ ચોરી અને અન્ય ઈલેક્ટ્રીક સામાનની ચોરીઓને અંજામ આપી જે મુદ્દામાલ વેચવાની ફીરાકમાં કેટલાક શખ્સો પસાર થવાની મળેલી માહિતીના આધારે ત્રણેય રીક્ષાઓ પસાર થતાં જેમાં રહેલા 10 શખ્સોને કેબલ તથા ઈલેક્ટ્રિક મોટર સાથે ઝડપીને પુછપરછ કરતા તેમણે કેબલ વાયર, કોપર તથા ઈલેક્ટ્રીક મોટરો પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓના જુદા જુદા ગામડાઓમાં રાત્રિના સમયે સીમમાં આવેલ બોર ઉપર તથા સોલાર પ્લાન્ટ અને જિનિંગ મિલોમાંથી ચોરી કરી લેતા હોવાની કબુલાત કરતા પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી રૂ.1,87,800 ની કિંમતનો 172 મીટર કેબલ સહિત 3 લાખની કિંમતની ત્રણ રીક્ષા, રૂ.200 ની કિંમતના કેબલ કાપવા ઉપયોગમાં લેવાય કટર, રૂ.200ની કિંમતની લોખંડની કોસ અને રૂ. 30,500 ની કિંમતના 6 નંગ મોબાઈલ મળી કુલ 5,23,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
