પાટણ-સાબરમતી વચ્ચે દોડતી 12 ડબ્બાની મેમુ ટ્રેનમાં છેલ્લા 15 દિવસથી ડબ્બાની સંખ્યા ઘટાડીને 6 કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધુ હોવા છતાં ડબ્બા ઘટાડવામાં આવતાં ભારે ભીડ સર્જાઈ રહી છે, જેના કારણે મુસાફરી મુશ્કેલ બની છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા પાટણ-સાબરમતી-પાટણ વચ્ચે સામાન્ય જનતાની અવરજવર માટે મેમુ ટ્રેનની સુવિધા આપવામાં આવી છે. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો નિયમિત રીતે નોકરી, કામકાજ તેમજ વેપાર-ધંધા અર્થે મુસાફરી કરતા હોવાથી તે રાહતરૂપ બની છે. જોકે, અગાઉ 12 ડબ્બાની ટ્રેનમાં પણ મુસાફરોની ભારે ભીડ રહેતી હતી, ત્યારે રેલવે તંત્ર દ્વારા ડબ્બાની સંખ્યા ઘટાડીને 6 કરવામાં આવતાં મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટણ, રણુંજ, ધિણોજ, મહેસાણા, આંબલિયાસણ, ડાંગરવા, ઝુલાસણ અને કલોલ સહિતના સ્ટેશનો પરથી મુસાફરી કરતા નિયમિત અપ-ડાઉન કરનારાઓ તેમજ અન્ય મુસાફરો હાલ ભારે ભીડ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ટ્રેનમાં જગ્યા ન મળતાં અનેક મુસાફરોને ડબ્બામાં તેમજ દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. મુસાફરોના જણાવ્યા મુજબ, 6 ડબ્બામાંથી એક ડબ્બામાં મશીનરી હોવાથી માત્ર 5 ડબ્બાનો જ મુસાફરી માટે ઉપયોગ થઈ રહ્યો છે. એક તરફ્ રેલવે તંત્ર મુસાફરોની સુવિધા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે લોકલ ટ્રેનના ડબ્બા ઘટાડવાના નિર્ણયથી મુસાફરોની અગવડતામાં વધારો થયો છે. રેલવેની કચેરીઓમાં બેસીને આવા નિર્ણયો લેતા અધિકારીઓએ એક વખત ટ્રેનમાં મુસાફરી કરીને મુસાફરોની મુશ્કેલીઓનો પણ અનુભવ કરવો જોઈએ, તેવી લાગણી મુસાફરોએ વ્યક્ત કરી હતી. આથી, પાટણ-સાબરમતીમેમુ ટ્રેનમાં ડબ્બાની સંખ્યા ફરી વધારી 12 કરવાની મુસાફરોએ માંગ કરી છે.
