છેલ્લા 24 કલાક દરમિયાન હારિજ પંથકમાં પડેલા અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને અંબિકા નગર, શિવવિલા સોસાયટી, હસ્તિનાપુર સોસાયટી તેમજ વોર્ડ નંબર-1ના ઠાકોર વાસ, દેવીપૂજક વાસ, રાવળ વાસ અને ઇન્દિરા નગરના અંદરના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને હરિજ નગરપાલિકાએ તાત્કાલિક સંકલિત કામગીરી હાથ ધરી હતી. જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી તથા લાયઝન અધિકારી, મામલતદાર , હારિજ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર તેમજ ટેકનિકલ અને સફાઈ સ્ટાફ્ સ્થળ પર દોડી પહોંચ્યો હતો અને સમગ્ર કામગીરીનું સતત માર્ગદર્શન આપ્યું હતું.  

પ્રશાસનના માર્ગદર્શન હેઠળ જેસીબી મશીનો તેમજ અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને પાણીના પ્રવાહને સરળ બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ સતત સ્થળ પર હાજર રહી કામગીરીને વેગ આપતા રહ્યા હતા.  

આ ઉપરાંત, વોર્ડ નંબર-1ના ઠાકોર વાસ, દેવીપૂજક વાસ, રાવળ વાસ અને ઇન્દિરા નગરના અંદરના વિસ્તારોમાં જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તેવા અસરગ્રસ્ત 15 લોકોને સલામતીના ભાગરૂપે સોમનાથ નગર પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યાં તેમના માટે રહેવા તેમજ ભોજનની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે. તંત્રની ઝડપી, સુચારુ અને સંકલિત કામગીરીના પરિણામે અંબિકા નગર, શિવવિલા સોસાયટી અને હસ્તિનાપુર સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનું સ્તર ધીમે-ધીમે ઘટવા લાગ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને હરિજ નગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ પણ તંત્રની સમયસરની અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો