સમી તાલુકાના રણાવાડા ગામે ગુરૂવારે કુટુંબની મજીયારી જમીનના વેચાણ માટે સહી કરવાની યુવકે ના પાડતાં મોટા બાપા સહિત કાકા અને પિતરાઈ ભાઈએ લાકડી અને સલોથા વડે માર મારતાં યુવકનું મોત નિપજ્યું હતું. તેમજ ત્રણેય આરોપીઓ દ્વારા મૃતકની બહેન અને માતા સાથે પણ મારઝૂડ કરી હોવાના આક્ષેપ ઉઠવા પામ્યો હતો. જેને લઈ સમી પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે FSL ની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામું કરી કપડા સહિત હથીયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી હોવાનું ઈનચાર્જ પીઆઈ એ.પી. જાડેજાએ જણાવ્યું હતું.

સમી તાલુકાના રણાવાડા ગામે ગુરૂવારે બપોરે વાલ્મીકી સમાજના એક કુટુંબના ભાઈઓ પરિવારની ત્રણ વીઘા જમીન વેચવા માટે ચર્ચા કરવા ભેગા થયા હતા. જે દરમિયાન નિકુલ પેથાભાઈ વાલ્મિકીએ જમીન વેચવા માટે સહી કરવાની ના પાડતા માથાકુટ થવા પામી હતી. જે દરમિયાન ગેમરભાઈ પુંજાભાઈ વાલ્મિકી તથા મનુભાઈ પુંજાભાઈ વાલ્મિકી અને અશોકભાઈ સોમાભાઈ વાલ્મિકીએ નિકુલ વાલ્મિકી પર લાકડી અને સલોથા વડે હુમલો કરતા નિકુલનું મોત નીપજ્યું હતું. ઝઘડા દરમિયાન વચ્ચે છોડાવવા પડેલ મૃતકની માતા અને બહેનને પણ માર માર્યો હોવાના આક્ષેપ કરાયા છે. આ અંગે સમી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ શુક્રવારે FSL ની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામુ કરવા સહિત હથિયારો કબજે કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું સમી પોલીસે જણાવ્યું હતું.