પાટણ જિલ્લા કલેકટર કચેરી અને સબ જેલમાં સ્ટેટ કંટ્રોલને બોમ્બ મુકાયાના મળેલા ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ તંત્ર દ્વારા આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં લોકોમાં ભય અને કુતુહલ સર્જાયું હતું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કલેકટર કચેરીમાં આવતાં અરજદારોને તપાસ દરમિયાન રોકી દેવામાં આવ્યા હતા અને તપાસના અંતે કોઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ હાથ ન લાગતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. મંગળવારે સ્ટેટ કંટ્રોલને બોમ્બ મુકાયાના મળેલા ધમકીભર્યા મેઈલને લઈ પાટણ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તપાસ હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયદીપસિંહ સોલંકી સહિત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કોવોર્ડ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી પાટણ કલેકટર કચેરીમાં તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે અંદર રહેલા કર્મીઓને બહાર મોકલી અરજદારોને રોકી દેવામાં આવ્યા હતા અને ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી ન હતી. ત્યારબાદ સુજનીપુર સબજેલમાં પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બંને સ્થળે પોલીસ તંત્ર દ્વારા તપાસના અંતે કોઈ પણ પ્રકારની વાંધાજનક સામગ્રી મળી આવી ન હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો