પાટણ સહિત જિલ્લાભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની એટલે કે જન્માષ્ટમીના પર્વની લોકો દ્વારા ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે કૃષ્ણ ભક્તિનો મહિમા જોવા મળશે અને લોકોના નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠશે. પાટણ જિલ્લામાં આજે શ્રાવણ માસના તહેવારોનો અંતિમ તબક્કો એટલે કે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે જિલ્લાવાસીઓ છેલ્લા કેટલાક સમયથી ઉત્કૃષ્ટ હતાં ત્યારે આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ જિલ્લામાં આવેલા કૃષ્ણ મંદિરોને નવોઢાની જેમ શણગારવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમો તેમજ સ્વાધ્યાય પરિવાર દ્વારા શેરી નાટકો પણ ભજવાશે. મોટા ભાગે દરેક જગ્યાએ બપોરના સમયે મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઉંચા પર રસ્સી વડે બાંધેલી મટકીમાં દહીં રાખીને કૃષ્ણનું પાત્ર ભજવનાર વ્યક્તિ દ્વારા તેને ફોડવામાં આવશે. આ સમયે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ કૃષ્ણમય બની જશે. બીજી તરફ્ કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કેટલાક લોકો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવતાં હોય છે. તદ્પરાંત હાલમાં પણ વર્ષો પુરાણી પરંપરા મુજબ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ દ્વારા માટીમાંથી રાધા કાનજીની બનાવેલ પ્રતિમા ગામના ચોક વચ્ચે મુકીને દેશી ઢોલના તાલે ઝુમી ઉઠશે અને આ ધાર્મિક પ્રક્રિયા પણ કેટલાક દિવસો સુધી ચાલી રહેતી હોય છે. આમ આજે પાટણ સહિત સમગ્ર જિલ્લો કૃષ્ણમય બની રહેશે.
