પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર અને રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે બંને જગ્યાએ તપાસ હાથ ધરી કુલ 6.66 લાખના વિદેશી દારૂ સહિત કુલ 18.40 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે હજું કુલ 3 શખ્સો પોલીસ પકડથી દુર હોવાથી તેમની શોધખોળ હાથ ધરી છે.
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂ ભરીને કેટલાક શખ્સો તેમના મળતીયા મારફ્તે ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી રૂ. 3,27,600 ની કિંમતની વિદેશી દારૂની 1200 બોટલો સહિત 4.50 લાખની કાર અને 30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન સાથે ધાનેરાના અંકિત ઈશ્વરભાઈ અને સચીન પોપટભાઈની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનનો હનુમાનરામ ઢાકા (બિશ્નોઈ) અને ખેડાનો જસવંતસિંહ બહાદુરસિંહ રાણા પોલીસ પકડથી દુર હોવાથી તમામની સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે રાધનપુર વિસ્તારમાં રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એક પીકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ગાડી અરજણસરથી પાલનપુર રાધનપુર નેશનલ હાઇવે તરફ્ જવાની છે. જેના આધારે નાકાબંધી કરતાં ગાડી ચાલક ગાડી મુકીને ફરાર થઈ જતાં પોલીસે ગાડીમાંથી 3,38,400 ની કિંમતની કુલ 1272 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 7 લાખની કિંમતની પીકઅપ ગાડી કબજે કરી ચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
