સિદ્ધપુરના ગાંગલાસણમાં સોમવારે રેલી જોવા માટે ઊભેલી મહિલાના ગળામાંથી ભીડ વચ્ચે કોઈ શખ્સ સોનાનો દોરો ખેંચી ભાગી છૂટયો હતો જેનો લોકોએ પીછો કરતાં તેણે મહિલાના ગળામાંથી ખેંચેલો સોનાનો દોરો જમીન પર ફેંકી ફરાર થઈ ગયો હતો. આ અંગેની ફરીયાદ સિદ્ધપુર પોલીસ મથકે મહિલાના પુત્રએ નોંધાવતા સિદ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ દોરો ખેંચી ભાગી જનાર શખ્સને સિદ્ધપુરના કાકોશી સર્કલ પરથી ઝડપી લીધો હતો
સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે રાજુજી ઠાકોર તેમની માતા સાથે કોંગ્રેસની જન આક્રોશ રેલી જોવા માટે ચાચરેટ દાદાના મંદિરની બાજુમાં ચોકમાં ઊભા હતા. તે દરમિયાન ભીડ વચ્ચે કોઈ શખ્સ તેમની માતાના ગળામાં પહેરેલ સોનાનો દોરો ખેંચી ભાગ્યો હતો પરંતુ લોકોએ તેનો પીછો કરતા તે દોરો જમીન પર ફેંકી નાસી છૂટયો હોવાની ફરીયાદ નોંધાવતા સિદ્ધપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ પોલીસે સીસીટીવી ફુટેજ તથા હ્યુમન સોર્સના આધારે સિદ્ધપુરના કાકોશી સર્કલ પાસેથી બનાસકાંઠાના તારાનગરના ભુપતસિંહ કોળી નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેણે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં 3 વખત પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.










