પાટણ જિલ્લાના રાધનપુરમાં પડેલા અતિભારે વરસાદને હવે બે દિવસનો વિરામ મળ્યો હોવા છતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન હજુ પણ સામાન્ય બન્યું નથી. અનેક સોસાયટીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી. સૌથી વધુ અસરગ્રસ્ત દેવગામમાં 100 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓનું સ્થળાંતર કરવું પડયું હતું. હાલમાં પણ ઘરોમાં પાણી ભરાયેલું હોવાથી લોકો પોતાના ઘરવખરી અને માલઢોરની ચિંતા વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાધનપુરની ગ્રીન પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ભારે વરસાદ બંધ થયાના 15 કલાક પણ જાહેર માર્ગ પર પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. બીજી તરફ્ રાધનપુરના મેન બજાર નજીક આજે પણ અનેક દુકાનોના દરવાજા આગળ વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા. આ ઉપરાંત ભારે વરસાદ બાદ મસાલી રોડ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા છે, પરંતુ ગટર અને વરસાદી પાણી ભળી જતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. મચ્છરોનો ઉપદ્રવ વધતાં સ્થાનિકોમાં ચેપી રોગચાળાની ભીતિ વ્યાપી છે. રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને ગટર વ્યવસ્થા સુધારી લોકોને રોગચાળાથી બચાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.