હારીજઃ હારીજ શહેર સહિત સમગ્ર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર મેઘરાજાએ પધરામણી કરતાં ધરતીપુત્રો સહિત શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે, હારીજ શહેરમાં પડેલા સામાન્ય વરસાદને પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડયો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
