પાટણ જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી પંથકના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. ખેડૂતો દ્વારા ચોમાસાના પ્રારંભે જ ખરીફ્ પાકોનું જોરશોરથી ઉત્સાહભેર વાવેતર કરી દીધું હતું. પરંતુ સંજોગોવશાત વરસાદે દરરોજ હાથતાળી આપવાની શરૂ કર્યા બાદ લાંબા સમયે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેને લઈ પંથકનો ખેડૂત હરખાયો હતો. ત્યારબાદ ફરીથી વિરામ લીધા બાદ લાંબા સમયે એન્ટ્રી કરીને પાકને વરસાદી પાણીનો ડોઝ આપ્યો હતો અને ફરીવખત મેઘરાજાએ જાણે રિસામણા લીધા હોય તેમ એકાદ મહિના સુધી જરાય વરસાદી માહોલ ન બાંધતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પોતાના પાકોને બચાવવા માટે ખાનગી બોરવેલ પરથી પિયત કરવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે રવિવાર સાંજથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને ક્યાંક ધીમીધારે તો ક્યાંક ખેતી પાકને સાનુકૂળ વરસાદી ઝાપટા વરસાવતાં નિરાશ થયેલ ખેડૂત ફરીવખત હરખાયો છે. જીલ્લામાં સોમવારે સાંજ સુધીમાં ચાણસ્મામાં દોઢ ઈંચ, સિદ્ધપુર, સમી, અને હારીજમાં 1-1 ઈંચ, શંખેશ્વરમાં પોણો ઈંચ અને પાટણ, રાધનપુર તથા સરસ્વતીમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ્ જિલ્લામાં વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થવા પામી હતી. તો પાટણમાં પણ નિવાસી અધિક કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન નજીક મોટું વૃક્ષ ધરાશયી થતાં પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે ત્યારબાદ વૃક્ષને દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદે વિરામ લેતાં લોકો ઉકાળાટના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને ફ્રીથી ઠંડક આપતાં વીજ ઉપકરણોની મદદ લેવા લાગ્યા હતા. તેવામાં રવિવારે રીમઝીમ વરસાદી છાંટણા જોવા મળતા જ લોકોમાં અને ખેડૂત આલમમાં સારા વરસાદની આશા બંધાઈ હતી. જેને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રવિવારે મોડી રાતથી જ વરસાદે એન્ટ્રી મારી દીધી હતી અને સોમવારે દિવસભર પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચાણસ્મા પંથકમાં જોવા મળ્યો હતો. તો શંખેશ્વર અને સિદ્ધપુરમાં પણ સારો એવો પાકને સાનુકૂળ વરસાદ વરસતાં મુઝરાતા પાકને જીવનદાન મળ્યું હતું. જોકે સોમવારે સાંતલપુરમાં વરસાદ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ્ પાટણ શહેરમાં રેલવે ગરનાળામાં રવિવારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો તો સિદ્ધપુર ચોકડી સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો