સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કચ્છ બ્રાન્ચ કેનાલમાં અનેક સ્થળોએ ગાબડાં પડયા હોવા છતાં તેના સમારકામની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં નહિ આવતા ખેડુતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.કચ્છ કેનાલમાં 30 એપ્રિલના રીપેરીંગ ને લઈને કેનાલનું પાણી બંધ કર્યાને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં નર્મદા નિગમ દ્વારા રીપેરીંગની કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં ન આવતા ખેડુતોને કેનાલમાં મળતું સિંચાઈનું પાણી બંધ થઈ જવા પામ્યું હતું.
કેનાલમાં પડેલા ગાબડાં અને સફાઈને લઈને સમસ્યાના નિરાકરણ માટે કેનાલ બંધ કરવામાં આવી હતી, પરંતુ પાણી બંધ કર્યા બાદ પણ સમારકામની કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે. હાલમાં ઉનાળાની ઋતુમાં એક તરફ્ સરહદી વિસ્તારની પ્રજા પીવાના પાણી માટે વલખાં મારી રહી છે, જ્યારે બીજી તરફ્ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં કેનાલ બંધ રહેતા ખેતીકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કેનાલ જો રીપેરીંગ માટે બંધ કરવામાં આવી હોય તો એક મહિના બાદ પણ કામગીરી કેમ શરૂ કરવામાં આવી નથી? કેનાલમાં ગાબડાં યથાવત રહેતાં નર્મદા નિગમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાંનું સમારકામ પૂર્ણ કરી કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠી રહી છે.










