પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા સ્થિત જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ હુમલા બાદ પોલીસની કામગીરી અને આરોપીઓ સાથેના વ્યવહારને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. સમાજની લાગણી દુભાતા વિરોધ પ્રદર્શનો અને જાહેર સભાનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પર ભારે દબાણ સર્જાયું હતું.
LCBના 4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
સ્થિતિને કાબૂમાં લેવા માટે આજે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ અને પાટણ જિલ્લા પોલીસ વડા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ દ્વારા મૂકવામાં આવેલી વિવિધ માંગણીઓ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. અંતે, પોલીસ વડાએ સમાજની વાજબી માંગણીઓનો સ્વીકાર કરતા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસના હકારાત્મક વલણને જોતા સમાજ દ્વારા યોજાનારી જાહેર સભા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.













