ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ડીજે સંચાલકોની એક મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ મીટિંગમાં ડીજે માલિકોએ ભેગા મળીને તેમના વ્યવસાય પર આવતા જોખમો અને સોશિયલ મીડિયામાં મળતી ધમકીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ડીજે સંચાલકો દ્વારા અપાઇ ચીમકી

વાયરલ વીડિયોમાં ડીજે એસોસિએશનના એક સભ્ય સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે, "ડીજે સળગાવવાની જે વાતો થઈ રહી છે તે બિલકુલ યોગ્ય નથી. આ અમારો વ્યવસાય છે અને અમે આના દ્વારા અમારું ગુજરાન ચલાવીએ છીએ." વધુમાં, તેમણે વીડિયો બનાવનારાઓને પણ ચેતવણી આપી છે કે, "ડીજે સળગાવતા વીડિયો બનાવનારાઓ માપમાં રહેજો", અમારો ધંધો સળગાવવાની ધમકી આપવી નહીં.

મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સંચાલકોએ જણાવ્યું હતું કે, અન્ય લોકો પણ પોતપોતાનો ધંધો કરે છે અને અમે કોઈના કામમાં ક્યારેય દખલ કરતા નથી, તો પછી ડીજેના વ્યવસાયને કેમ નિશાન બનાવવામાં આવે છે? ડીજે એ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ હજારો લોકોની રોજીરોટી તેની સાથે જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અવાજ પ્રદૂષણ અને અન્ય નિયમોને લઈ ડીજે સામે વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પ્રતિસાદરૂપે પાટણના ડીજે માલિકોએ હવે એકત્ર થઈને આક્રમક વલણ અપનાવ્યું છે. આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો