પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાટણ અને મહેસાણાની 17 કોલેજોના જોડાણ રદ કરી દેવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટે નિયમો મુજબ નજીકની અન્ય સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ ફળવાશે તેમ કુલપતિ દ્વારા જણાવ્યું હતું. જોકે વાલમની બી.એડ. કોલેજ અંગેનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી અરજીના અંતિમ ચુકાદા બાદ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજોના સંચાલનમાં થયેલી અનિયમિતતાઓની તપાસ માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી. જે બાદ સમિતીના અહેવાલના આધારે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. બોર્ડ ઓફ્ મેનેજમેન્ટ તથા એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મંજૂરી મળ્યા બાદ સંબંધિત સંસ્થાઓને પોતાનો પક્ષ રજુ કરવા માટે પણ તક આપવામાં આવી હતી. ત્યારબાદ હવે આખરી નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી દ્વારા જોડાણ રદ કરવામાં આવેલી કોલેજો પૈકી ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ખાતે આવેલ ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમિયા કોલેજ ઓફ્ એજ્યુકેશનના બી.એડ અભ્યાસક્રમનું જોડાણ પણ પરત ખેંચાયું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો