પાટણ : પાટણ શહેરમાં વી.કે. ભુલા હાઈસ્કૂલ પાસેની પાટણ નગરપાલિકાની હયાત શૌચાલયને રાતોરાત તોડી પાડવામાં આવતાં પાલીકાના નગરસેવક ભરત ભાટીયાએ રોષ વ્યક્ત કર્યો હતો અને શૌચાલય તોડી પાડવા માટે કોઈ પણ સક્ષમ સત્તાધિકારીની મંજુરી વહીવટી ઠરાવ કે કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે તપાસની માંગ કરી હતી. પાટણ નગરપાલિકાના નગરસેવક ભરત ભાટીયાએ રીજીઓનલ કમિશનર સહિત પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ્ ઓફ્સિરને પત્ર લખીને જણાવ્યું હતું કે પાટણ શહેરમાં વી.કે. ભુલા હાઈસ્કૂલ પાસે પાટણ નગરપાલિકાની માલિકીની તથા જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાતી હયાત જાહેર શૌચાલય કોઈ પણ પ્રકારની પુર્વ વહીવટી મંજુરી, નગરપાલિકાના સમક્ષ અધિકારી દ્વારા પસાર કરાયેલ ઠરાવ તેમજ કાયદેસરની પ્રક્રિયા કે જાહેર હિત અંગેની વૈકલ્પિક વ્યવસ્થા વગર રાતોરાત તોડી પાડવામાં આવી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હોવાનું જણાવી વી.કે. ભુલા હાઈસ્કૂલ પાસેનો વિસ્તાર વધું અવરજવર ધરાવતો વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓ સહિત લોકોની વધું અવરજવર રહેતી હોય છે. જેથી શૌચાલય તોડી પાડવામાં આવતાં હાલમાં જાહેરમાં પેશાબ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ સ્વચ્છતા અને મહિલાઓની ગરિમાને લઈ પ્રશ્નો ઊભા થયા છે. જેથી શૌચાલય તોડી પાડવા અંગે પાટણ નગરપાલિકા દ્વારા કોઈ ઠરાવ, વહીવટી મંજુરી કે લેખિત આદેશ કરવામાં આવ્યોહોય તો તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
