પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવિણ મોરી સામે એક યુવતીએ અપહરણ સહિતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવ્યા બાદ મોરી સામે ખાતાકીય તપાસ શરૂ થઈ છે તેના પ્રારંભિક તબક્કામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ગઢ ખાતે પોલીસ લાઈનમાં રહેતી યુવતીના ઘરે કોઈ હાજર ન હતું તેવા સમયે ત્યાં પહોંચી પિસ્તોલ બતાવી અપહરણ કરવાની કોશિશ કરતાં યુવતીએ બુમાબુમ કરતા તેના ભાઈ સહિતના દોડી આવ્યા હતા અને PSIને ઝડપી 112 પોલીસ વાન બોલાવી પોલીસ સ્ટેશન ભેગા કરવામાં આવ્યા હતા.પોલીસ મથકે પહોંચ્યા બાદ PSI પ્રવિણ મોરી લઘુશંકાના બહાને રફ્ફુચક્કર થઈ જતાં ગઢ પોલીસ સ્ટેશનમાં PSI પ્રવિણ મોરી વિરુદ્ધ ગુનો નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું અને નોટિસ બજવણી માટે પ્રયાસ ચાલુ હોવાનું રાધનપુર નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના ગઢ પોલીસ લાઈનમાં પરિવાર સાથે રેહેતી એક યુવતી એકલી ઘરે હતી તે દરમિયાન કોઈ દ્વારા દરવાજો ખખડાવતા યુવતીએ દરવાજો ખોલતાં જ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવિણ મોરીએ પિસ્તોલ તાકીને તેની સાથે આવવા ધમકી આપીને ઢસડીને લઈ જવાતાં યુવતીએ બુમાબુમ કરતા તેના ભાઈ સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગઢ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. જ્યાં તે લઘુશંકાના બહાને રફુચક્કર થઈ જતાં પોલીસે ફરીયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી.PSI પર નોંધાયેલી ફરિયાદને પગલે રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમારને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ગુનો બન્યો ત્યારે PSI રજા પર હતા પરંતુતેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને નોટીસ પાઠવવાના પ્રયાસ ચાલુ છે. એક બે દિવસ મળી આવે તો ઠીક નહી તો તેમના ઘરે જઈને નોટીસ બજાવી દેવામાં આવશે. બીજી તરફ્ યુવતી દ્ધારા નોંધાવવામાં આવેલી ફરીયાદ સંદર્ભે તપાસ અધિકારી દ્ધારા ફરાર PSIની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો