પાટણ સહિત જિલ્લાભરમાં શુક્રવારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ બહેનો પોતપોતાના વહાલસોયા ભાઈઓની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધવા માટે તૈયાર થઈ ગઈ હતી અને શુભ મુહૂર્તમાં ભાઈને મોં મીઠુ કરાવી રક્ષાસૂત્ર બાંધીને પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. જોકે આ બધાની વચ્ચે દેશમાં કાનુની વ્યવસ્થાના ભાગરૂપે ગુનાઓના આરોપસર હાલમાં પાટણ જિલ્લા સબ જેલમાં રહેલા બંદીવાન કેદીઓને પણ પોતાની બહેનો રાખડી બાંધી શકે અને પરિવાર મુલાકાત કરી શકે તેવા ઉમદા આશયથી જિલ્લા જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના દિવસે સમુહ રાખડી બાંધવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં રહેલા કેદી ભાઈઓની બહેનો રાખડી બાંધવા માટે આવતાં જ લાગણીસભર અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જોકે જેલ પ્રશાસન દ્વારા પણ માનવતાના ધોરણે તમામ કેદી ભાઈઓની પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. રાજ્યના જેલ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ અને જેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાકેશ બારોટના આદેશને પગલે શુક્રવારે પાટણ જિલ્લાની સુજનીપુર ખાતેની સબજેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલમાં બંધ કેદી ભાઈઓના પરિવારને અગાઉથી જ જાણ કરી દીધી હોવાથી તેમની બહેનો પરિવારના સભ્યો સાથે રાખડી અને મીઠાઈ સાથે આવી પહોંચી હતી. ત્યારબાદ જેલમાં સમુહ રીતે રક્ષાબંધનની ઉજવણી કરી શકાય તે માટેનું જિલ્લા જેલ પ્રશાસન દ્વારા આયોજન કરાયું હોવાથી કંકુ ચોખા વડે વધાવીને કલાઈ પર રક્ષાસૂત્ર બાંધતી સમયે ભાવુકતા વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આયોજિત રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન જિલ્લા જેલની બહાર તૈનાત સ્ટાફ્ દ્વારા બહેનોને પોતાના જેલની અંદર રહેલા ભાઈઓ સુધી માનવતાવાદી કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિક્ષક બી.ટી. દેસાઈ તથા પરેશભાઈ એસ. રબારી સહિતનો સ્ટાફ્ ખડેપગે હાજર રહ્યો હતો અને કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો