પાટણ સહિત સમગ્ર પંથકમાં શ્રાવણ માસના અંતિમ તબક્કામાં આવતાં તહેવારોનો માહોલ હાલમાં પુરજોશમાં અને ધાર્મિક માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે શિતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ પાટણ સહિત જિલ્લાભરમાં લોકો દ્વારા ભવ્ય અને ધાર્મિક લાગણી સાથે શ્રાદ્ધા પુર્વક ઉજવણી કરી હતી. પાટણમાં પ્રાચીન શિતળા માતાજીના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટયા હતા અને મેળાની મોજ માણી હતી.

શ્રાવણ માસના વદ પક્ષમાં આવતાં નાગપંચમીથી માંડીને જન્માષ્ટમી સુધીના તહેવારોની હારમાળા હાલમાં ચાલી રહી છે. જેમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી બાદ બુધવારે રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ દ્વારા અવનવી વાનગીઓ સાથે રસોઈ બનાવી હતી. જેનો શિતળા સાતમના દિવસે ભોજનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુરૂવારે શિતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ પાટણમાં આવેલ પ્રાચીન શિતળા માતાજીના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જેમાં પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે ઉમટયા હતા. તેમજ માતાજીને કુલેર શ્રીફ્ળ અને પાણીની માટલી અર્પણ કરી શ્રાદ્ધા પુર્વક નમન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ચાલી આવતી પરંપરા મુજબ મહિલાઓ દ્વારા માતાજીની વાર્તા સાંભળી હતી. તો બીજી તરફ્ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિતળા સાતમ નિમિત્તે દરેક ઘરોમાં માતાજીનો સાથીયો દોરી કંકુના ચાંલ્લા કર્યા બાદ દિવો પ્રગટાવી માતાજીની સ્થાપના કરી હતી. તેમજ રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન દિવસ દરમિયાન આરોગી વર્ષોથી ચાલી આવતી ઠંડું જમવાની પ્રથા જાળવી રાખી હતી. જોકે તમામ હિન્દુ ધર્મના ઘરોમાં રાંધણ છઠ્ઠના દિવસે સાંજે ગૃહિણીઓ બે દિવસનું ભોજન બનાવ્યા બાદ ચુલો ઠારી દેતી હોય છે. ત્યારબાદ આવતીકાલે જન્માષ્ટમીના દિવસે ફરીથી ચુલો સળગાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મનગમતી રસોઈ બનાવી હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.