13

પાટણ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં ભાદરવી પુનમથી માતૃ તર્પણ વિધિનો વિધીવત રીતે પ્રારંભ થતાની સાથે જ લોકો દ્વારા પોતાના માતૃશ્રાદ્ધ માટે ઉમટી રહ્યા છે. માતૃશ્રાદ્ધ માટે પવિત્ર તિર્થ સિદ્ધપુર વિશ્વ ફલક ઉપર પ્રચલિત હોવાથી દુરદુરથી લોકો પોતાના માતૃઓના આત્મા મોક્ષગતિ પામે તે માટે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં વિધી વિધાન માટે આવતાં હોય છે. જેને લઈ સિદ્ધપુરમાં કારતકી પુનમ સિવાય ભાદરવી સુદ પક્ષમાં પણ લોકોનો ઘસારો વધું પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ચાલું વર્ષે સિદ્ધપુરમાં બિંદુ સરોવર પાસે સરકાર દ્વારા સુવિધાસભર રીતે બનાવાયેલ રિવરફ્રન્ટ ખાતે અને નદી કાંઠે માતૃ તર્પણ વિધિ માટે સુવિધા ઊભી કરાયેલી હોવાથી શનિવારથી જ માતૃ તર્પણ વિધિનો વિધીવત પ્રારંભ થયો હતો. સતત 16 દિવસ સુધી ચાલનારા માતૃશ્રાદ્ધ પક્ષ માટે ગુજરાત સહિત અન્ય પ્રાંતમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જ્યાં 140 જેટલા તિર્થગોર ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતૃઓના મોક્ષાર્થે માતૃશ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવી ધાર્મિક વિધીઓ સંપન્ન કરાવશે. જેને લઈ શ્રદ્ધાળુઓનો આંખમાં આંસું રૂપે માતા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોવા મળશે.

દેશભરમાં માતૃશ્રાદ્ધ માટે જાણીતા અને દેવોની નગરી સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર ખાતે ભાદરવી પુનમના દિવસથી શરૂ થયેલ 16 દિવસીય પિતૃશ્રાદ્ધ નિમિત્તે વહેલી સવારથી જ માતૃ તર્પણ વિધિ અને શ્રાદ્ધ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા ઉપસ્થિત ભુદોવોના માર્ગદર્શન હેઠળ સંકલ્પ, તર્પણ, પિંડદાન સહિતની પોતાની માતાઓના મોક્ષાર્થે વિધીઓ સંપન્ન કરી હતી. 16 દિવસ સુધી ચાલનાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સિદ્ધપુરમાં મેળાવડા જેવો માહોલ જોવા મળશે. સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ માટે આવતાં યજમાનોને સિદ્ધપુરના તિર્થગોર ભુદેવો દ્વારા વર્ષોથી ચાલી આવતી પેઢીઓની પરંપરા મુજબ યજમાનો તેમને મળીને ભુદેવો પાસે વૈદિક મંત્રોચ્ચાર અને વિધી વિધાન મુજબ માતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધી પુર્ણ કરતાં હોય છે. જેમાં હાલમાં 140 જેટલા ભુદેવો બિંદુ સરોવરના તટ પર ધાર્મિક વિધિ માટે સજ્જ બન્યા છે. બિંદુ સરોવર ખાતે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં વિધી માટે આવતાં લોકો માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ માતા પ્રત્યેનો પ્રેમ પણ શ્રાદ્ધા પુર્વક વ્યક્ત કરી ધાર્મિક વિધિ પુર્ણ કરતાં હોય છે જે દરમિયાન તેમની આંખમાં આંસું રૂપી માતાનો પ્રેમ જોવા મળતો હોય છે. વદ પક્ષમાં સતત 16 દિવસ સુધી ચાલનારા માતૃશ્રાદ્ધ માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી અને વિદેશ સ્થાયી થયેલા લોકો પણ પોતાના માતૃઓના મોક્ષાર્થે માતૃશ્રાદ્ધ માટે પવિત્ર માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં આવતાં હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો