પાટણ જિલ્લામાં શનિવારે 15મી ઓગસ્ટના દિવસે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શંખેશ્વરની પાવન ધરતી પર જિલ્લા કક્ષાના સ્વાતંર્ત્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી અને જિલ્લાવાસીઓને 80મા સ્વાતંર્ત્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસનાં કામો અર્થે શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા 25 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના અદમ્ય સંઘર્ષ અને બલિદાનના પરિણામે આજે આપણે તિરંગાની છત્રછાયામાં સ્વતંત્ર ભારતની ધરતી પર શ્વાસ લઈ રહ્યા છીએ. 80મા સ્વાતંત્ર્ય પર્વે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર સપૂતોને નમન કરી તેમના સપનાઓના ભારતના નિર્માણ માટે નવી ઊર્જા, નવા સંકલ્પ અને નવી પ્રતિબદ્ધતા સાથે આગળ વધવાનો આ અવસર છે. પાટણ હવે વિકાસની નવી દિશા અને નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. ખેડૂત સમૃદ્ધ બને, યુવાનોને રોજગારની નવી તકો મળે, દીકરીઓ શિક્ષિત અને સશક્ત બને, બાળકો સુપોષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તથા સરકારની યોજનાઓનો લાભ છેવાડાના પરિવાર સુધી પહોંચે એ જ વિકસિત પાટણની નેમ છે. જિલ્લામાં 33.65 લાખ રોપાઓનું વિતરણ, 190 સ્થળોએ વન મહોત્સવ અને 620 હેક્ટર વિસ્તારમાં એગ્રો ફોરેસ્ટ્રી જેવી કામગીરી દ્વારા હરિયાળા પાટણના નિર્માણ તરફ્ મજબૂત પગલાં ભરાઈ રહ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે 442 નવા વર્ગખંડોને મંજૂરી તથા 32 પીએમશ્રી શાળાઓ કાર્યરત થવી એ પાટણની નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય તરફ્નું મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે પોષણ ક્ષેત્રે 1,427 આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ પોષણ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છ પાટણ, સુપોષિત પાટણ, શિક્ષિત પાટણ, રોજગારયુક્ત પાટણ અને ખેડૂત સમૃદ્ધ પાટણના સંકલ્પને સાકાર કરવા સૌને સહિયારા પ્રયાસો માટે આહવાન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના ઉત્કૃષ્ટ અધિકારીઓ, કર્મયોગીઓ અને વિશેષ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
