પાટણ પંથકમાં પ્રખ્યાત ગાજરની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. જોકે હજુ કડકડતી ઠંડી શરૂ ન થતાં ગાજરની ગુણવત્તા પર અસર પડી છે, જેના કારણે ભાવ ગત વર્ષની સરખામણીમાં નીચા રહ્યા છે. હાલ પાટણ શાકમાર્કેટમાં રોજ 250થી 350 બોરી ગાજરની આવક નોંધાઈ રહી છે.


પાટણ પંથકના સાગોડીયા, પાટણ, રાજપુર, રૂની, હાજીપુર, સબોસણ, માતરવાડી, હાંસાપુર, ગદોસણ, માંડોત્રી, ધારપુર અને સહિતના ગામોના ખેડૂતો ગાજર વેચવા માટે પાટણ શાકમાર્કેટમાં આવે છે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર ધીમેધીમે આવકમાં વધારો થશે અને માર્ચ મહિના સુધી ગાજરની આવક ચાલુ રહેશે. સિઝનમાં રોજના 5,000 થી 7,000 બોરી ગાજરની આવક થતી હોય છે. પાટણના ગાજર તેની ગુણવત્તા અને સ્વાદ માટે વર્ષોથી પ્રખ્યાત છે અને તેનું મોટાપાયે ઉત્પાદન થાય છે. સિઝન દરમિયાન પાટણના ગાજર અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નાસિક અને ઔરંગાબાદ જેવા શહેરો સુધી પહોંચે છે. હાલમાં સિઝનના પ્રથમ તબક્કામાં ગાજર અમદાવાદ, મહેસાણા અને સુધી જ મોકલવામાં આવી રહ્યા છે. હજુ શિયાળાની કડકડતી ઠંડી શરૂ ન થતાં ગાજરની ગુણવત્તા પર સીધી અસર પડી છે. શાકમાર્કેટમાં આવતા ગાજર સ્વાદમાં ગળચટ્ટાને બદલે ફ્ીક્કા આવી રહ્યા છે. આના કારણે હોલસેલ બજારમાં ગાજરનો ભાવ પ્રતિ મણ રૂ.150 થી 220 ચાલી રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં ભાવ રૂ.300 થી 400 પ્રતિ મણ હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: