22
પાટણ તળ ઔદિચ્ય સહસ્ત્ર્ર બ્રાહ્મણ સમાજ દ્વારા ભાદરવા સુદ ચૌદસ અને પુનમના દિવસે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી પરંપરાગત પાલડી ખાતે આવેલ જાળેશ્વર દાદાના સાનિધ્યમાં ભવાઈની પ્રથા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી. શુક્રવારે પાટણ શહેરમાંથી શોભાયાત્રા નીકળી અને પાલડી સ્થિત જાળેશ્વર દાદાના ધામે પહોંચી હતી અને ત્યાં ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાત્રે પણ ભવાઈના વિવિધ વેશ પાત્રો ભજવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પુનમના દિવસે એટલે કે શનિવારે બપોરના સમયે રામ રાવણ વચ્ચે યુદ્ધનું પાત્ર ભજવાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાંથી લોકો જોવા માટે ઉમટી પડયા હતા. ત્યારબાદ બપોરના સમયે રાવણનો રામના હાથે વધ થયા બાદ ભવાઈના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પાટણ ખાતે વસવાટ કરતા તળ ઔદિચ્ય સહસ્ત્ર્ર બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પાટણ નજીક આવેલ પાલડી ખાતેના જાળેશ્વર મહાદેવના મંદિરે પરંપરાગત ભવાઈની વેશભુષા ભજવવામાં આવે છે. જે અંતર્ગત જાળેશ્વર દાદાને પ્રસન્ન કરવામાં આવે છે. જેને લઈ અનંત ચૌદશની રાત્રિના સમયે ભવાઈ સાહિત્યને વાચા આપવા ભવાઈના વેશ જેવા કે ગણપતિ,ઝંડો ઝુલણ,અડવો,શરાણીયો,કાળકા સહિતના વિવિધ વેશ પાત્રો દ્વારા પૂર્ણ રાત્રી દરમિયાન ભવાઈ વેશ યોજાયો હતો. ત્યારબાદ ભાદરવા સુદ પૂનમના દિવસે રામ, લક્ષ્મણ અને હનુમાન તેમજ રીંછ વાનરની સેના સામે રાવણ અને ઈન્દ્રજીતના પાત્રોમાં સજ્જ કલાકારો વચ્ચે યુદ્ધ ખેલાયું હતું અને બપોરના સમયે રામના હાથે રાવણનો વધ થતા ભવાઈનો વેશ સંપન્ન થયો હતો. બીજી તરફ્ ભગવાન આશુતોષને પ્રસન્ન કરવાના ભાવોત્સવ ભવાઈમાં રામ અને રાવણના પાત્ર ભજવનારે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. ભગવાન સદાશિવ પ્રત્યેની આસ્થાના દર્શન કરાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે તળ ઔદિચ્ય સહસ્ત્ર્ર બ્રાહ્મણો દ્વારા પાલડી જાળેશ્વર દાદાના સાનિધ્યમાં વર્ષોથી પરંપરાગત ભવાઈ રમાડવામાં આવે છે. ત્યારે આ તીર્થના મહાત્મય પ્રમાણ જે માનવ અનંત ચતુર્થીની રાત્રે અખંડ જાગરણ કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને તેની અખંડ જાગરણના મનોરથ અને પૂર્ણ કરવાના હેતુસર ભવાઈ ઉત્સવ આ સ્થળે ઉજવાય છે તેમ ભવાઈ મંડળ દ્વારા જણાવ્યું હતું.
