ઉત્તર પ્રદેશના લખનઉમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશના શખ્સોએ આંગડિયાની લુંટ ચલાવી હોવાના મામલે આશિયાના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા પામ્યો હતો. જેને લઈ પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીને લુંટમાં સંડોવાયેલા કેટલાક શખ્સો પાટણ સિદ્ધપુર હાઇવે પર હોવાની મળેલી બાતમીના આધારે શહેરના રશિયન નગર પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન XUV ગાડીમાં ત્રણેય શખ્સો મળી આવતાં પોલીસે તેમની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ કરતાં અન્ય ઉત્તર પ્રદેશના પાંચ શખ્સોની સંડોવણી બહાર આવતાં પોલીસે લખનઉના આશિયાના પોલીસને જાણ કરતાં પોલીસે પાટણ આવી આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ તેમને લઈને આશિયાના જવા રવાના થઈ હતી.

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમના હેડ કોન્સ્ટેબલ મોડજીજી ઠાકોરને બાતમી મળી હતી કે ગત 23 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના લખનઉમાં આંગડિયા લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. અને તેમાં સંડોવાયેલા અમુક માણસો ગુજરાતમાં ફરી રહ્યા છે જેથી પોલીસે પાટણ સિદ્ધપુર હાઇવે પર નાકાબંધી કરી હતી. જે દરમિયાન XUV ગાડીમાંથી દવે યશ નારણભાઈ (રહે. હારીજ) તથા રાજગોર પ્રજ્ઞેશ અમરતલાલ (રહે.ખેરાલુ)અને પટેલ જય ભગવાનદાસ (રહે.હિંગળાજપુરા)ની અટકાયત કરી હતી. જેમની પુછપરછ દરમિયાન આરોપીઓએ ઉત્તર પ્રદેશમાં કરેલી લૂંટના તાર ખોલી દેતાં કબૂલાત કરતાં રૂ.64 લાખ સહિત 75 હજારની કિંમતના મોબાઈલ ફોન અને 10 લાખની કિંમતની XUV ગાડી મળી આવતાં કબજે કરી હતી. વધું પુછપરછ દરમિયાન ગુનામાં ઉત્તર પ્રદેશના ચિરાગ યાદવ, કલ્લુ યાદવ, સત્યમ યાદવ, રાહુલ યાદવ અને ફુક્કી યાદવની પણ સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. તદ્પરાંત ત્રણ મહિના અગાઉ લખનઉના શહીદપુરથી 15 લાખની અને બે મહિના અગાઉ કાનપુરથી 15 લાખની લુંટ કરી હોવાની કબૂલાત કરતાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના લખનઉના આશિયાના પોલીસને જાણ કરતાં પોલીસે પાટણમાં આવી ત્રણેયને કોર્ટમાં રજુ કરી આશિયાના જવા રવાના થઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.