પાટણ જિલ્લામાં મંગળવાર અમંગળ સાબિત થયો છે. જીલ્લાના ચાણસ્મા અને સમી નજીક મંગળવારે બપોરના સમયે બે અલગ અલગ વાહન અકસ્માતના બનાવો બનવા પામ્યા હતા. જેમાં બંને અકસ્માતમાં બે મહિલા સહિત કુલ 3 ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે કુલ 10 લોકોને ઈજાઓ પહોંચતા વધું સારવાર માટે ધારપુર અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. ઘટનાને પગલે સમી અને ચાણસ્મા પોલીસે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ પિંપળ નજીક ઊંઝાના ઉનાવા ખાતેથી રોડની સાઈડમાં લગાવવાના સાઈન બોર્ડ ભરીને શ્રમિકો સાથે એકલવા તરફ્ જતાં આઈશર ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક રોડની સાઈડમાં આશરે પાંચ ફૂટ નિચે ખેતરમાં પલટી મારી જતાં અંદર સવાર શ્રમિકોએ બુમરાડ મચાવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી ટ્રકને આઘાપાછી કરી અંદર રહેલ ઈજાગ્રસ્તોને બહાર કાઢતાં એક 23 વર્ષીય પ્રભુભાઈ અમરતભાઈ ફુલવાદી નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક સહિત કુલ સાત શ્રમિકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા અને બાદમાં ધારપુર હોસ્પિટલમાં રિફર કરાયાં હતાં. જોકે અકસ્માતમાં સદનસીબે બે શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો. તબીબના જણાવ્યા મુજબ રિફર કરાયેલ ઈજાગ્રસ્તોને માથામાં ઈજા અને શરીરના અન્ય ભાગમાં ફ્રેકચર જેવી ઈજાઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે ચાણસ્મા પોલીસે ઈન્કવેસ્ટ પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ્ સમી શંખેશ્વર હાઈવે પર પસાર થતાં એક છોટા હાથી ટેમ્પો વચ્ચે માર્ગ પર શ્વાન આવતાં ચાલકે તેને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં છોટા હાથી ટેમ્પો સાઈડમાં ગરનાળા સાથે અથડાઈને રોડની સાઈડમાં પલટી મારી જતાં અંદર સવાર જોહરાબેન ઘાંચી અને ખતીજાબેન સોરાબભાઈ સિપાઈ નામની બે મહિલાઓના કરૂણ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હોવાથી સમી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અત્રે નોંધનીય છે કે ચાણસ્મા નજીક સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલો 23 વર્ષીય પ્રભુભાઈ અમરતભાઈ ફુલવાદીના આગામી મહા મહિનામાં લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા પરંતુ લગ્નના તાંતણે બંધાય તે પુર્વે જ અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો