પાટણ સહિત જિલ્લાભરમાં દિવાળીના તહેવારોનો વિધિવત પ્રારંભ થયો છે. નગરજનો પણ દિવાળી ટાંકણે ખરીદી અને ઘર સજાવટમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે દિવાળી ટાંકણે નગરદેવી કાલિકા માતાજીના મંદિરે કાળી ચૌદશના દિવસે વિશેષ સેવા પુજા કરવામાં આવતી હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને આજે વહેલી સવારથી જ માતાજીના મંદિરે લોકોની ભીડ ઉમટી પડશે અને પુજા અર્ચના કરી ધન્યતા અનુભવશે. પાટણમાં નગરદેવી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરે દર વર્ષે કાળી ચૌદશના દિવસે લોક કલ્યાણ અર્થે સામુહિક કાલી પુજાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઈ આજે શનિવારે કાળી ચૌદશે આયોજિત પુજામાં પોતાના ઘર કે મંદિરમાં પુજાતી આધ્યશક્તિના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ કે ફોટો અને માતાજીના 1008 નામોચ્ચાર દ્વારા ધરાવી શકાય તેટલા ચોખા, ફુલ કે બિલીપત્ર સાથે લાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું. માત્ર લોક કલ્યાણ અર્થે યોજાતી કાલી પુજામાં કાલિકા પુરાણમાં દર્શાવેલા ક'અક્ષરથી શરૂ થતાં 1008 નામોના ઉચ્ચારણ દ્વારા માતાજીની પુજા કરવામાં આવે છે. જેને લઈ આજે કાળી ચૌદશના દિવસે સમગ્ર નગરજનો સહિતના શ્રદ્ધાળુઓ પ્રાચીન કાલિકા માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવશે.
