પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના કુરેજા નર્મદા કેનાલમાં રિક્ષા નર્મદાના કિનારે મૂકી ન્હાવા પડેલા બે યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાટણ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા એક યુવાનનો મૃતદેહ પાટણ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે.બીજા એક યુવાનને શોધવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.  

બનાવ અંગે હારીજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બે મિત્રો એમાં એક ઠાકોર હરેશભાઇ શંકરભાઇ ઉ.વ.27 રહે. ભલગામ અને બીજો મિત્ર ઠાકોર સંજયભાઈ અમરસંગ ઉ.વ. 24 રહે. કુણઘેર બંને રીક્ષા લઈ બપોરના સુમારે કુરેજા નર્મદા કેનાલમાં ન્હાવા પડયા હતા. જેમા એક મિત્ર પાણીમાં ડૂબતા બીજો મિત્ર બચાવવા જતા બંને મિત્રો ડૂબી ગયા હતા. જે સ્થાનિક લોકોને ખબર પડતાં સ્થાનિક લોકો દ્વારા હારીજ પોલીસને જાણ કરી હતી. હારીજ પોલીસ ઘટના સ્થળે આવી પાટણ ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે આવી એક મૃતક યુવાન ઠાકોર હરેશભાઇ શંકરભાઇ ઉ.વ. 27ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બીજો મિત્ર ઠાકોર સંજયભાઈ અમરસંગ ઉ.વ. 24ની કેનાલમાં શોધખોળ ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.