આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનો સતત મોબાઇલ, સોશિયલ મીડિયા, અભ્યાસના દબાણ અને સ્પર્ધાત્મક જીવનશૈલી વચ્ચે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ત્યારે દિવાળી વેકેશન પહેલાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ, સકારાત્મક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાના હેતુથી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં અનોખા ભજન ક્લબિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NGES સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર, એલ.એન.કે. બી.એડ. કોલેજ અને પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પાટણમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર ડો. પ્રશાંત જિલોવા, NGES ના કુલપતિ ડો. કે.સી પોરીયા તથા NGES કેમ્પસ સંચાલક ડો. જય ધ્રુવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું અને યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય, શિસ્ત, સંસ્કાર તથા સર્વાંગી વિકાસ માટે આયોજિત આ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના સંગીત વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલાં સુમધુર ભજનો હતાં. પરંપરાગત ભજનોને આધુનિક યુવા પેઢી સાથે જોડવાના આ અનોખા પ્રયાસમાં વિદ્યાર્થીઓએ તાલીઓના તાલે ભક્તિસંગીતનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ડો.જય ધ્રુવે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીને માત્ર ટેક્નોલોજી, માર્ક્સ અને ડિગ્રીની જ નહીં. પરંતુ માનસિક સ્થિરતા, આત્મવિશ્વાસ, સંસ્કાર અને આધ્યાત્મિક સંતુલનની પણ જરૂર છે. આપણે બાળકોને સ્માર્ટ બનાવવાની સાથે માનસિક રીતે સશક્ત પણ બનાવવા પડશે. ભજન ક્લબિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને સંગીત અને ધ્યાનના માધ્યમથી સકારાત્મક જીવનશૈલી તરફ્ પ્રેરિત કરવાનો અમારો પ્રયાસ છે.
