પાટણ નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકનું આયોજન કારોબારી સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નવી આંગણવાડી, વરસાદી પાણીનો નિકાલ, રસ્તા રિસરફેસિંગ, સીસી રોડ તેમજ એસટીપી પ્લાન્ટ સાથે સંકળાયેલા મહત્વના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.
પાટણમાં ગુરૂવારે નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બેઠકમાં નગરપાલિકા વિસ્તારના જુદા જુદા વિકાસલક્ષી કામો અંગેની રજૂઆતો ચર્ચા વિચારણા અર્થે મુકવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 7 તેમજ વોર્ડ નંબર 9 માં આંગણવાડી નિર્માણના કામોને મંજુરી આપવામાં આવી હતી. તદ્પરાંત ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા તથા માર્ગોના રિસરફેસિંગની કામગીરીને પણ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. શહેરના 14 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સીસી રોડ બનાવવાના કામોને કારોબારી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. તેમજ નિયમિત એજન્ડા ઉપરાંત વધારાના અન્ય 12 વિકાસ કામો પણ બેઠકમાં હાથ પર લઈને સ્વીકારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ માખણીયા ખાતે આવેલા એસટીપી પ્લાન્ટમાં પાણીની સુવિધા માટે બોર બનાવવાની રજૂઆત સ્વીકારી તે પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા ક્ષેત્રમાં નવા એસટીપી પ્લાન્ટ માટે નિયત જગ્યાની ફાળવણી અંગેની દરખાસ્તને પણ કારોબારી સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
