પાટણમાં ભારતીય ભૂમિસેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી કર્નલ નીતિન જોષીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી ભરતી પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે યુવાનો તથા વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી હતી.કર્નલ જોષી સેનામાં શારીરિક પ્રશિક્ષણ અધિકારી તરીકે સેવા આપતા એકમાત્ર ગુજરાતી અધિકારી છે. માતૃભૂમિ પ્રત્યેના લગાવને કારણે તેમણે 4-5 મહિના પહેલા પાટણમાં 'જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડમી' શરૂ કરી છે. આ એકેડમીમાં આર્મીના નિવૃત્ત જવાનો કિરણભાઈ અને રાહુલભાઈ યુવાનોને તાલીમ આપે છે. જલારામ સેવા ટ્રસ્ટ મંડળ દ્વારા મનભાઈ જોષીના નેતૃત્વ હેઠળ તાલીમાર્થીઓને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવે છે. કર્નલ જોષીએ લાંચિયા તત્વોના ષડયંત્ર અંગે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે આર્મી, એરફોર્સ અને પોલીસ ભરતીની નવી તારીખો જાહેર થતાં જ કેટલાક તત્વો સક્રિય થઈ જાય છે. તેઓ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી યુવાનો પાસેથી મોટી રકમની માંગણી કરે છે.


આ શખ્સો લગભગ 10 ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવે છે. તેમાંથી જે 3 ઉમેદવારો પોતાની મહેનતથી પાસ થાય છે, તેમના પૈસા રાખી લેવામાં આવે છે.બાકીના 7 નપાસ થયેલા ઉમેદવારોને પૈસા પરત આપીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાય છે. ઘણીવાર ઉમેદવારોને ડુપ્લીકેટ હોલ ટિકિટ આપીને પણ છેતરવામાં આવે છે. કર્નલ જોશીએ સ્પષ્ટ કર્યું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હોય છે. તેમણે ઉમેદવારોને ખેતર ગીરે મૂકીને કે દેવું કરીને આવા લોકોને પૈસા ન આપવા અપીલ કરી હતી. આ ગંભીર બાબતે જિલ્લા કલેક્ટરને પણ તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે. જો કોઈ નિવૃત્ત કે સેવારત કર્મચારી ભરતી કરાવવાની લાલચ આપીને સંપર્ક કરે, તો તાત્કાલિક કલેક્ટર અથવા કર્નલ જોષીનો સીધો સંપર્ક કરવા તેઓએ જણાવ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: